ગેમ ઑફ થ્રોન્સ

ગેમ ઑફ થ્રોન્સ એ અમેરિકન કાલ્પનિક નાટ્યાત્મક ટેલીવિઝન શ્રેણી છે જેનું સર્જન શોરનર્સ ડેવિડ બેનીઑફ અને ડી. બી. વેલ્સ દ્વારા કરાયુ છે. તે જ્યોર્જ આર. આર. માર્ટિનની કાલ્પનિક નવલકથા શ્રેણી અ સોન્ગ ઑફ આઈસ એન્ડ ફાયરનું ટેલીવિઝન સંસ્કરણ છે. તેના પહેલા ભાગનું નામ હતું ગેમ ઑફ થ્રોન્સ. તેનું ચિત્રાંકન બેલાફેસ્ટ સ્ટૂડીયો ઉપરાંત ક્રોએશિયા, આઈસલેન્ડ, માલ્ટા, મોરોક્કો, નોર્થન આયર્લેન્ડ, સ્પેન, સ્કોટલેન્ડ અને અમેરિકામાં થયેલું છે. તેની પહેલી રજુઆત એચબીઓ પર અમેરિકામાં એપ્રિલ ૧૭, ૨૦૧૧ના રોજ થઈ હતી. આ શ્રેણી તેના છઠ્ઠી સીઝન માટે રજૂ કરવામાં આવનાર છે જેનો પ્રથમ ભાગ ૨૪ એપ્રિલ, ૨૦૧૬ના રોજ રજૂ થશે.

આ શ્રેણી કાલ્પનિક ખંડ વેસ્ટેરોસ અને એસ્સોસ પર આધારિત છે ઉપરાંત વાર્તાની આંતરીક રીતે ગૂંથાયેલી અનેક વિગતો અને ખૂબ વિશાળ પાત્રવિશ્વ ધરાવે છે. પહેલો સવિસ્તર વૃતાંત સાત રાજ્યોના લોખંડી સિંહાસન માટે અનેક ઉચ્ચ ઘરાનાઓ વચ્ચેની આંતરીક લડાઈ વર્ણવે છે, બીજો ભાગ એ સિંહાસનને ફરીથી મેળવવાની પ્રાંતના પદભ્રષ્ટ શાસક રાજવંશના નિર્વાસિત અંતિમ વંશજના પ્રયત્નોને દર્શાવે છે. ત્રીજો વૃતાંત તોળાઈ રહેલા શિયાળાને લીધે વધી રહેલા જોખમ અને દંતકથાત્મક માનવી વિશે અને ઉત્તરના ક્રૂર લોકોની વાતને પ્રસ્તુત કરે છે..

ગેમ ઑફ થ્રોન્સને એચબીઓ પર વિક્રમી સંખ્યામાં દર્શકો મળ્યા અને તેને બહોળો અને સક્રિય પ્રશંસકવર્ગ મળ્યો.. આલોચકો દ્વારા પણ તેને વિશેષતઃ અભિનય, જટિલ પાત્રો, કથાનક, ક્ષમતા અને નિર્માણ મૂલ્ય વગેરેને લીધે ખૂબ પ્રસંશા મળી. જો કે તેમા વારંવાર વપરાતા નગ્નતાપૂર્ણ, હિંસા અને શારિરીક શોષણ ધરાવતા દ્રશ્યોને લીધે. ખૂબ ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો.. આ શ્રેણીને ૨૦૧૫માં ઉત્કૃષ્ટ નાટ્યાત્મક શ્રેણીના એમ્મી પુરસ્કાર સહિત ૨૬ પ્રાઈમટાઈમ એમ્મી પુરસ્કાર મળ્યા હતા, જેથી કોઈ એક શ્રેણીએ જીતેલા સૌથી વધુ એમ્મી પુરસ્કારોનો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. આ સાથે તેને અન્ય અનેક નામાંકન અને પુરસ્કારો પણ મળ્યા જેમાં ત્રણ શ્રેષ્ઠ નાટ્યાત્મક પ્રસ્તુતિનો હ્યૂગો પુરસ્કાર, એક પીબોડી પુરસ્કાર અને ત્રણ ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર નામાંકન મળ્યા હતા. સમગ્ર પાત્રસૃષ્ટિમાંથી પીટર ડીંક્લેજ નાટ્યશ્રેણીમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એમ્મી પુરસ્કાર બે વાર અને ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર શ્રેષ્ઠ સહાયક અભિનેતા - શ્રેણી, લઘુશ્રેણી અથવા ટેલિવિઝન વિભાગમાં તેમના પાત્ર ટાયરીયન લેન્નિસ્ટર માટે મળ્યો.

કથાનક

પ્રાથમિક રીતે ગેમ ઑફ થ્રોન્સ વેસ્ટેરોસના સાત રાજ્યોના કાલ્પનિક વિષય પર રચાયેલા અ સોન્ગ ઑફ આઈસ એન્ડ ફાયર પર આધારિત છે.. આ શ્રેણી હિંસાત્મક રાજકીય કુટુંબોની લડાઈ અને આંતરિક ખટપટો દ્વારા લોખંડના સિંહાસન પર કબજો મેળવવાની ઘટનાઓનો વૃત્તાંત પ્રસ્તુત કરે છે. જેમ શ્રેણી આગળ વધે છે તેમ હિમપ્રદેશ એવા ઉત્તરમાંથી અને પૂર્વના દેશ એસ્સોસ પણ ભયસ્થાનો તરીકે ઉભરે છે. શ્રેણીનો પ્રથમ તબક્કો નવલકથાને પૂર્ણતઃ અનુસરે છે. પણ ત્યાર બાદના તબક્કાઓ મૂળ કથાનકથી અનેક બદલાવ સાથે નોખા પડે છે. ડેવિડ બેનીઑફ મુજબ આ ધારાવાહીક નવલકથાની શ્રેણીને અપનાવવાનો અને તેના જ્યોર્જે પ્રસ્તુત કરેલા માર્ગ પર મૂળ મુદ્દાઓને વળગીને આગળ વધવાનો પ્રયત્ન છે પણ એ નવલકથામાં આવેલી જગ્યાઓએ જ અંત પામતી નથી.

આ નવલકથા અને તેના પર આધારિત ટેલિવિઝન શ્રેણીની ગોઠવણી, પાત્રો અને કથાનક યુરોપના ઈતિહાસ પર આધારિત છે. આ શ્રેણીની મૂળભૂત પ્રેરણા લેવાઈ છે અંગ્રેજી વૉર્સ ઑફ ધ રોઝિસ (૧૪૫૫-૮૫) જેમાંના બે કુટુંબો લેન્સેસ્ટર અને યોર્ક પરથી માર્ટિનના લેન્નિસ્ટર અને સ્ટાર્ક કુટુંબો રચાયા છે, વેસ્ટેરોસનો મોટો ભાગ તેના કિલ્લાઓ અને બહાદુરોની સશસ્ત્ર લડાઈઓને લીધે મધ્યયુગના પશ્ચિમ યુરોપની યાદ અપાવે છે. જેમ કે કાવતરાખોર શેર્સી લેન્નિસ્ટર ફ્રાન્સની શી-વુલ્ફ તરીકે ઓળખાતી ઈઝાબેલ (૧૨૯૫-૧૩૫૮)ની યાદ અપાવે છે. તેણે અને તેના કુટુંબે માર્ટિનને પ્રેરણા આપી, વિશેષતઃ માઓરિસ ડ્રુઓનની ઐતિહાસિક નવલકથા શ્રેણી ધ અક્સિર્ડ કિંગ્સ. શ્રેણીની પાત્રસૃષ્ટિના અન્ય આવા જ ઐતિહાસિક વિવેચન પર આધારિત વાત છે હાર્ડિઆનની દિવાલ (જે પછીથી માર્ટિનની ભવ્ય દિવાલ બને છે), અટલાન્ટિસની દંતકથા (પૌરાણિક નગર વાલીરીયા), બિઝન્ટાઈન 'ગ્રીક અગ્નિ' (જંગલની આગ), ટાપુઓ પરના ચાંચિયાઓના પરાક્રમની ગાથાઓ (આયર્નબોર્ન) મોંગોલિયન લોકોના ધાડાં (ડોથરાકી) વગેરે તથા હન્ડ્રેડ યર્સ વૉર (૧૩૩૭-૧૪૫૩) અને ઈટાલિયન પુનરુત્થાન (ઈ.સ. ૧૪૦૦-૧૫૦૦) પર આધારિત ઘટનાક્રમ અને પાત્રો. આ શ્રેણીની અપાર સફળતા માર્ટિનની આવા અનોખા ઘટકતત્વોને એકત્રિત કરી અને તદ્દન સરળતાપૂર્વક એક વાર્તા તરીકે પ્રસ્તુત કરવાની આવડતને આભારી છે, જેને લીધે આ કાલ્પનિક વાર્તા એક વાસ્તવિક ઘટનાક્રમ અને ઈતિહાસનો ભાગ બનીને ઉભરી આવે છે.

ડેવિડ બેનીઑફ મજાકમાં કહે છે તેમ ગેમ ઑફ થ્રોન્સની ટૅગલાઈન છે 'કાલ્પનિક ધરતીનો તીવ્રત્તમ પડઘો' જે ઈશારો કરે છે વાર્તાના કાવતરાઓ અને કુતૂહલથી ભરપૂર અને માનવની કાળી બાજુ દર્શાવતા કાલ્પનિક રહસ્યલોક જેમાં જાદૂ પણ છે અને ડ્રેગન પણ છે/ ૨૦૧૨માં થયેલ એક અભ્યાસ મુજબ શ્રેણીના એક હપ્તામાં થયેલા પાત્રોના મૃત્યુને જો ધ્યાનમાં લેવાય તો અમેરીકાની ટેલિવિઝન શ્રેણીના ઈતિહાસમાં હમણાંની ૪૦ શ્રેણીઓમાંથી આ શ્રેણી એક હપ્તામાં ૧૪ પાત્રોના મૃત્યુ સાથે બીજા સ્થાને છે.

અભિનેતાઓ અને પાત્રો

પીટર ડીંક્લેજ (ટાયરીયન લેન્નિસ્ટર) બીજી શ્રેણીથી અભિનેતાઓમાં મુખ્ય પાત્ર તરીકે સૌથી આગળ રહ્યાં છે.

આ શ્રેણી જેના પર આધારિત છે એ નવલકથાની જેમ જ ગેમ ઑફ થ્રોન્સની પાત્રસૃષ્ટિ ટેલિવિઝન પરની કદાચ સૌથી મોટી, ખૂબ વિસ્તૃત પણ વ્યવસ્થિત રીતે ગૂંથાયેલી છે. ત્રીજી શ્રેણીના નિર્માણ વખતે ૨૫૭ પાત્રોના નામ નોંધાયેલા છે. ૨૦૧૪માં, ઘંણાં અભિનેતાઓના કરાર ફરીથી બનાવવામાં આવ્યા જેથી તેમને સાતમી શ્રેણીમાં સમાવિષ્ટ કરી શકાય.અને એવી ચર્ચા પણ થઈ કે આ અભિનેતાઓ ટેલિવિઝન પરના સૌથી વધુ મહેનતાણું મેળવતા કલાકારો છે. અહીં ગેમ ઑફ થ્રોન્સની પાત્રસૃષ્ટિના ફક્ત એવા જ પાત્રો વિશે વાત કરાઈ છે જેમને શ્રેણીમાં મુખ્ય પાત્રો તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.